Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:12:46

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 21:16:50

સંગીતમય સપ્તઋષીનો સંગમ એટલે 'ગુજરાતી જલસો'

અમદાવાદમાં 14મી ઓગષ્ટે આયોજન, પાર્થિવ ગોહિલની આપણું ગુજરાત ન્યૂઝીલેન્ડ સાથે ખાસ મુલાકાત

જિતેન્દ્ર બાંધણિયા- અમદાવાદ

અમદાવાદમાં ગુજરાતી જલસોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતી જલસોનું આયોજન પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે. છેલ્લે અમેરિકામાં ગુજરાતી જલસોનું આયોજન કરવામાં આવ્યું હતું અને પહેલીવાર તેનું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદીઓ સહિત વિશ્વભરના ઘણાં ગુજરાતીઓ રૂબરુમાં કે ઓનલાઇન જોઇને આનંદ લેતા હોય છે, તેના આયોજન પહેલા આપણું ગુજરાત ન્યૂઝીલેન્ડ વતી અમદાવાદથી  જીતુ બંધાણીયાએ પાર્થિવ ગોહિલ સાથે એક ખાસ મુલાકાત ગોઠવીને ગુજરાતી જલસો વિશે માહિતી લીધી.... 

1. બહુ ગાજી રહ્યું છે 'ગુજરાતી જલસો'.. આખરે 'ગુજરાતી જલસો' છે શું ?

 પાર્થિવ ગોહિલ - તમારા સવાલમાં જ છે એનો જવાબ. 'જલસો'. ગુજરાતી જલસોમાં છે માત્ર અને માત્ર જલસો. સાહિત્યનો જલસો. લોક સાહિત્યનો જલસો. ગીતનો જલસો. સંગીતનો જલસો અને એમાંય હું તો કહીશ કે, સુગમ સંગીતનો જલસો, લોક સંગીતનો જલસો, ફ્યૂઝનનો જલસો, નાટકનો જલસો, કાવ્યનો જલસો, હાસ્યનો જલસો. ને હા, સાથે જ પુસ્તકનો જલસો અને મજેદાર ગુજરાતી વાનગીઓનો જલસો. બસ મનોરંજનનો જલસો જ જલસો એટલે ગુજરાતી જલસો. 

૨. ગુજરાતીઓને મનોરંજનનો જલસો કરાવવાનો વિચાર કેવી રીતે આવ્યો ? 

 પાર્થિવ ગોહિલ - ગીત-સંગીત સાથે જોડાયા બાદ હું મુંબઈ સ્થાયી થયો. મુંબઈમાં મે એક વસ્તુ નોટિસ કરી કે, ગુજરાતી નાટકના શો હાઉસફૂલ જાય છે, સાહિત્યનો કોઈ કાર્યક્રમ હોય તો એ પણ સાહિત્યરસિકો હાઉસફૂલ કરે છે, લોકસાહિત્ય કે ડાયરો હોય તો લોકો હોશે હોશે વખાણતા અને વધાવતા. મતલબ કે મનોરંજનની કદર, મનોરંજનની ભૂખ લોકોને હતી જ અને છે જ. પણ એમને કલાના દરેક સ્વાદ જુદાં જુદાં મળતા હતા. મને થયું કે આ બધુ જ જો એક જ થાળમાં પીરસાય તો ?  અમુક મિત્રો સામે વિચાર મુક્યો. સૌએ વિચારને વધાવ્યો અને શરૂઆત થઈ ગુજરાતી જલસોની. 

૩. ગુજરાતી જલસોના મંચ પરથી કેટલાય દિગ્ગજોએ કલા ચાહકોને જલસો કરાવ્યો છે. સ્મૃતિપટ પર યાદ હોય એવા નામ જણાવશો.. ? 

 પાર્થિવ ગોહિલ - કલાના વિવિધ ક્ષેત્રના એવા દિગ્ગજો કે જેને સાંભળવા સૌ કોઈને ગમે, તે તમામ ગુજરાતી જલસોના મંચ પર આવ્યા છે. અંદાજે ૧૫૦ જેટલા કલાકારોની યાદી છે. બધાયના નામ આદર સાથે મનમાં છે, એમાંથી જ તમને અમુક નામ યાદ કરાવું તો... કૈલાસ ખેર, શાન, ઉષા મંગેષકર, ફાલ્ગુની પાઠક, પંકજ ઉધાસ, સલીમ-સુલેમાન, સચિન-જિગર, રૂપકુમાર રાઠોડ, આલાપ દેસાઈ, કવિતા મૂર્તિ દેશપાંડે, માનસી પારેખ ગોહિલ, ભૂમિ ત્રિવેદી, સોફી ચૌધરી, પ્રિયા સરૈયા, ધનશ્રી પંડિત,  ભીખુદાન ગઢવી, અભેંસિહ રાઠોડ, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, સાંઈરામ દવે, શાહબુદ્દીન રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા, દર્શન જરીવાલા, કેતકી દવે, મનોજ જોશી, સરિતા જોશી, સનત વ્યાસ, દીપક ઘીવાલા, ઉત્કર્ષ મજમુદાર, ચિરાગ વોરા,  પ્રતિક ગાંધી, મુકેશ જોશી, શેખર સેન, પારસનાથ, દીલીપ રાવલ, ધર્મેન્દ્ર ગોહિલ,  તુષાર શુક્લ, ખલીલ ધનતેજવી, મુકેશ જોશી, હેમેન શાહ, ઉદયન ઠક્કર, રઈશ મનિયાર, ડો. તુષાર શાહ વગેરે નામ યાદ કરવા પડે. 

૪. અમદાવાદમાં પહેલીવાર ગુજરાતી જલસો થઈ રહ્યો છે.. ત્યાં ક્યા કયા કલાકારો જલસો કરાવશે ?

 પાર્થિવ ગોહિલ -  આ કાર્યક્રમના આયોજક વિક્રમ પટેલ સાથે જ્યારે પહેલીવાર આ મુદ્દે વાત થઈ ત્યારે જ તેમણે જણાવેલું કે, ગુજરાતી સાહિત્ય અને સંગીત રસિકોને ગમે એવા કલાકારો સાથે જોડાય તો જ ખરા અર્થમાં 'ગુજરાતી જલસો' સાર્થક થાય. એટલે અમે એવા મજ્જાના કલાકારોનો સાથ મેળવ્યો છે.  જાણીતા લોકસાહિત્યકાર અને ઈન્ટરનેશનલ હાસ્યકલાકાર સાંઈરામ દવે એક નવા જ અંદાજમાં લોકોને જોવા મળશે.. તો ભૂમિ ત્રિવેદી, માનસી પારેખ ગોહિલ, ભૂમિ ત્રિવેદી, જ્હાનવી શ્રીમાંકર, હિમાલી વ્યાસ નાયક સૌને પોતાની ગાયકીના જાદુથી અભિભૂત કરશે.. જાણીતા આર જે ધ્વનિત પણ અમદાવાદની ભૂમિ પર આવેલા ગુજરાતી જલસોમાં જોડાશે. આ ઉપરાંત ઉત્કર્ષ મજમુદાર, ચિરાગ વોરા અને અર્ચન ત્રિવેદી, મનન દેસાઈ પણ પોત-પોતાની પ્રતિભાના જોરે જલસો કરાવશે.. ને હા સાથે હું, આઈમીન પાર્થિવ ગોહિલ પણ જલસોમાં જમાવટ કરીશ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રણવ પંડ્યા કરશે. કાર્યક્રમના બે કલાક પહેલાથી જ પુસ્તક મેળો એ જ સ્થળે યોજાશે. 

૫. મુંબઈ, અમેરિકા બાદ હવે અમદાવાદમાં તમે આવો છો... પણ ગુજરાતી જલસો ઓનલાઈન પણ બરાબરનો જામ્યો છે, શું કહેશો ?

 પાર્થિવ ગોહિલ - અરે.. ઓનલાઈન તો ગુજરાતી જલસોની જમાવટ છે. દોઢ કરોડથી વધારે વ્યૂઝ ગુજરાતી જલસોના થઈ ગયા છે. કોઈ ગુજરાતી કાર્યક્રમના આટલા સમયમાં દોઢ કરોડ વ્યૂઝ થયા હોય.. એવો આ પહેલો કાર્યક્રમ છે. એક લાખથી વધારે સબસ્ક્રાઈબર ઓનલાઈન જલસોના અપડેટ્સ રેગ્યુલર મેળવે છે. અત્યાર સુધીમાં દોઢસોથી વધુ કલાકારોનો પરફોર્મન્સીસ ગુજરાતી જલસોની યુટ્યુબ ચેનલ પર જોવા મળે  છે. લોકસાહિત્ય, લોકસંગીત, સુગમ સંગીત, ફ્યૂઝન, નાટક, હાસ્ય અને કાવ્યનો બહુરૂપી ગુજરાતી જલસો એક સાથે, એક જ ચેનલ પર જોવા મળે એવું પણ એક માત્ર સરનામું છે ગુજરાતી જલસો... આ વાંચી લીધા બાદ, ઓનલાઈન જલસો કરવા, એટલે કે ગુજરાતી જલસોના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી યુટ્યુબ પર ગુજરાતી જલસો. 

૬. અમદાવાદ બાદ ગુજરાતી જલસો ક્યાં જામવાનો છે.. ?

 પાર્થિવ ગોહિલ - ગુજરાતની બહાર રહેતા ગુજરાતીઓ માટે, વતનની યાદ અપાવતો સપ્તરંગી ગુજરાતી જલસો, અમે શરૂ કરેલો..  એ જલસો અમદાવાદમાં યોજાય એવું વિક્રમ પટેલનું સુચન ગમતા અમે અમદાવાદમાં આયોજન કર્યુ. લોકોનો જે રીતે પ્રતિસાદ મળ્યો છે એ જોતા, મને એવું લાગે છે કે, વતનથી દૂર રહેતા હોય એવા જ નહી, પણ વતનમાં જ રહેતા લોકો માટે પણ 'ગુજરાતી જલસો' યોજાવો જ જોઈએ. અમદાવાદ બાદ અમે રાજકોટ, વડોદરા, સુરત વગેરે શહેરોમાં આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. પછી અફકોર્સ વતનની બહારના ગુજરાતીઓ માટે તો જવાના જ છીએ.  

૭. ગુજરાતી જલસોના ચાહકોને કોઈ ખાસ સંદેશ ?

 પાર્થિવ ગોહિલ -  ગુજરાતી જલસો દ્વારા કોઈ એક જ પ્રકાર નહી પણ સાત સાત પ્રકારના મનોરંજનનો જલસો સાગમટે ચાહકોને મળી રહ્યો છે, એટલે આ બહુરુપી જલસો માણવાનું જે જે ચૂકશે  તેમને અફસોસ થવાનો છે. માટે જ કહું છુ, જરૂર આવજો ગુજરાતી જલસો માણવા માટે.. સાત કળાઓની રજૂઆતને શ્વાસમાં ભરવા માટે.  ૧૪મી ઓગષ્ટેે, ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર, રાત્રે ૮-૩૦ કલાકે.. 

More News


Gujarat


India